અભણ શિક્ષક "અને" ગળો મેન "તરીકે જાણીતા નાગલપર કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના વડીલ શિક્ષક શ્રી દિગ્વિજયસિંહ ચુડાસમા સાહેબ

 



આ માણસમાં આટલી બધી ઊર્જા ક્યાંથી આવતી હશે?24 કલાકમાંથી સુવાના સમયને બાદ કરતાં જેટલો સમય બાકી રહે એટલો સમય પ્રવૃત્તિમય જ હોય."અભણ શિક્ષક "અને" ગળો મેન "તરીકે જાણીતા નાગલપર કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના વડીલ શિક્ષક શ્રી દિગ્વિજયસિંહ ચુડાસમા સાહેબ રજાનો દિવસ હોય એટલે સવારે બોટાદથી નીકળી પડે આજુબાજુના ગામડામાં બીજ એકત્ર કરવા માટે.ઘરના પૈસાનું પેટ્રોલ બાળી ટાઢ હોય કે તડકો હોય આ માણસ ઝાડી ઝાંખરામાં કાંટા કે જીવજંતુની પરવા કર્યા વિના એકલા એકલા વિવિધ વનસ્પતિના બીજ એકત્ર કર્યા કરે .

                                  હજુ પરમ દિવસે જ હિમાલયમાં 24 દિવસ જેટલી રખડપટ્ટી કરીને દિગ્વિજયસિંહ બોટાદ આવ્યા ને આજે સવારે તો બીજ એકત્ર કરવાના નિજાનંદી કાર્યમાં જોડાઈ પણ ગયા.હું અને જી.બી.મકવાણા સાહેબ સદભાગી છીએ કે ક્યારેક ક્યારેક દિગુબાપુના પુણ્ય કાર્યનો ભાગ બનવાનો લ્હાવો મળી જાય છે.આજે સવારે જાગી નાહી ધોઈ  તૈયાર થઈને હું ચા પીવા બેસતો ત્યાં જ બાપુનો ફોન આવ્યો 

મને કહે  "ક્યાં??"

મેં પ્રશ્નનો જવાબ આપવાનો બદલે પ્રતિપ્રશ્ન કર્યો,"ક્યાં આવું?

તો કહે તમારા ગામના પાદરમાં રાઠોડ પરિવારની સમાધિસ્થાન છે ત્યાં આવો .હું પીલુડીના બીજ એકત્ર કરું છું.આરામથી આવજો.ચા પી ને તરત જ હું ને વિશ્વા ઉપડ્યા.રાઠોડ સમાજનાસમાધિ સ્થાને ખાસ્સો એવો સમય પીલુડીના ઝાડ નીચે ખરી પડેલા બીજ એકત્ર કર્યા .બાપુ સુપડી ને ચારણી લઈને આવ્યા હતા.પછી એ બીજ ચાળીને ભર્યા .

વિશ્વા ને પણ મજા પડી ગઈ.નજીકમાં હિતુભાઈની વાડી છે ત્યાં ચા પાણી પીવા ગયા તો ત્યાં પણ દુર્લભ એવી વનસ્પતિ કાંચનારના બીજ દિગુ બાપુ જોઈ ગયા ને પછી તો ચા પાણી રહી ગયા સાઈડમાં અને કંચનારના બીજ એકત્ર કરવા  બાપુ ને હું લાગી ગયા.ખાસ્સો એવો સમય બીજ એકત્ર કર્યા ત્યાં જ રમેશભાઈનો ફોન આવ્યો કે તાજા વાડીએ ચા પીવા આવો બની ગઈ છે.હું ને બાપુ ને ઉપડ્યા તાજા વાડીએ .ચા પીધી ,સત્સંગ કર્યો ને ઘેર પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં બાપુ મને કહે...મુન્નાભાઈ નદીમાં પાણી સુકાઈ ગયું છે તો કમળકાકડીના બીજ હશે .હાલો ને વિણતા જઈએ.ગાડી હાંકતા હાંકતા જ મેં મનોમન બાપુને પ્રણામ કર્યા..કારણ કે 12 વાગ્યા હતા ને સવારથી નીકળેલ આ માણસને આટલા તડકામાં પણ ઘર સાંભરવાને બદલે ....વૃક્ષ નારાયણ દેવની સેવા કરવાનું મન થાય છે ,પછી તો નદી આવતાની સાથે જ ગાડી સ્ટેન્ડ કરી હું અને બાપુ બેય અમારા ગામની પવિત્ર એવી ઉતાવળી નદીમાં કમળકાકડીના બીજ વીણવા લાગી ગયા ને ઈશ્વર કૃપાએ ખૂબ જ સારા પ્રમાણમાં અપેક્ષા કરતા સારા એવા કમળકાકડીના બીજ એકત્ર  થયા.બાપુ તો કમળકાકડીના બીજ જોઈ એટલા બધા રાજી થય ગયા.મને કહે"

મુન્નાભાઈ ઘણા વરસથી વિચારતો હતો કે એક દિવસ આ નદીમાંથી કમળકાકડીના બીજ એકત્ર કરવા છે..આજ એ સપનું સાકાર થયું.ખરેખરી મજા આવી ગઈ આજ તો."

                                  ચોમાસું શરૂ થાય એ પહેલાં દિગુ બાપુ આવી અનેક પ્રકારની વનસ્પતિના બીજ એકત્ર કરે એને અલગ કરી પેકેટમાં ભરી ગુજરાત રાજ્યમાં  અને રાજ્યની બહાર પણ જે વ્યક્તિને બીજ જોઈતા હોય એને મફત કુરિયર કરી મોકલે.ખરેખર ઘરના પૈસા અને અમૂલ્ય એવો સમય કાઢી 

સંતકાર્ય કરી રહેલા આ એકલવીર શિક્ષકને દંડવત પ્રણામ કરવાનું મન થાય.હું ખરેખર ભાગ્યશાળી છું કે મને આવા વડીલ મિત્રનો સ્નેહ મળ્યો છે.


                                 ★ફ્રી હિટ★

દિગુ બાપુની ગાડી સાથે એક થેલો હોય જો ક્યારેક તમને એ મળી જાય એ થેલો અચૂક જોજો કેમ કે એમાં તમે ક્યારેય ન જોયા હોય એવા વૃક્ષ અને છોડ કટિંગ કરવાના અવનવા હથિયાર જોવા મળશે.

                                શબ્દ સારથી

                                  મેર મલ્હાર

Post a Comment

0 Comments