આજે ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે.
રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. અંગ્રેજીમાં ૩૫ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ.(માર્કશીટનો ફોટો મૂકેલો છે) પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો.
કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા. આ નોકરી દરમ્યાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે. આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી.
પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને એ છોકરો કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયો. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.
એમણે નક્કી કરેલું કે હું ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોય પણ મારે પરીક્ષા તો અંગ્રેજી માધ્યમમાં જ આપવી છે. પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે અનુભવ થયો કે અંગ્રેજી લખવાની સ્પીડ બહુ જ ધીમી છે. સ્પીડ વધારવા કરસ્યું રાઈટીગનો ઉપયોગ કરવો પડે. એમણે આ ઉંમરે પણ કરસ્યું રાઈટીગ શીખીને ખૂબ પ્રેકટીસ કરી સ્પીડ વધારી.વર્ષ ઉપર વર્ષ પસાર થાય પણ પરીક્ષામાં સફળતા ન મળે. નિરાશ થયા વગર પોતાનાથી થતી ભૂલો સુધારીને આગળ વધે. આ સંઘર્ષયાત્રા દરમિયાન પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળતો રહ્યો.
2012ના વર્ષમાં આ એમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા. આ વિદ્યાર્થીનું નામ છે, તુષાર સુમેરા અને અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુમેરા સાહેબે ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ૧૦માં ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વધપ્રધાને નોંધ લેવી પડે.
મિત્રો, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.
સૌજન્ય : Facebook post
0 Comments