સમય સાથે બદલાતી પરંપરા : ખેરગામમાં સાતમા દિવસે જ 'બારમું' વિધિ પૂર્ણ.
ખેરગામના વેણ ફળિયા નિવાસી તથા ડૉ. પંકજકુમાર શંકરભાઈ પટેલના પૂજ્ય માતૃશ્રી કુસુમબેન શંકરભાઈ પટેલનું સંવત ૨૦૮૨ના અષાઢ સુદ નોમ, બુધવાર તા. 22/07/2026ના રોજ દુઃખદ અવસાન થયું છે.
દિવંગત આત્માની સ્મૃતિમાં સારણકિયા વિધિ સોમવાર, તા. 27/07/2026ના રોજ સવારે 8:00 કલાકે શનિદેવ મંદિર, ઔરંગા નદીના તટે યોજાશે. ત્યારબાદ તુલસીપૂજા મંગળવાર, તા. 28/07/2026ના રોજ સવારે 11:00 કલાકે યોજાશે.
આ પ્રસંગે પટેલ પરિવારે સમાજમાં પ્રચલિત અંતિમ સંસ્કાર સંબંધિત રીતિ-રિવાજોમાં સમયાનુકૂળ પરિવર્તન તરફ એક નવી પહેલ કરતાં સાતમા દિવસે જ 'બારમું' (બાર દિવસની વિધિ) પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.
ડૉ. પંકજ પટેલના જણાવ્યા અનુસાર, વ્યક્તિના અવસાન બાદ લાંબા સમય સુધી ચાલતા ક્રિયાકાંડ અને પરંપરાગત કાર્યક્રમોમાં નોંધપાત્ર સમય વ્યતીત થાય છે. આધુનિક જીવનશૈલી, સમયની જરૂરિયાત અને વ્યવહારિક સુવિધાને ધ્યાનમાં રાખીને ધાર્મિક ભાવનાનું જતન જળવાઈ રહે તે રીતે આ વિધિઓને વધુ સરળ અને સમયાનુકૂળ બનાવવાનો તેમનો પ્રયાસ છે. આ નિર્ણય અંતર્ગત તેમણે સંબંધિત આમંત્રણપત્ર પણ પ્રસિદ્ધ કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પરિવાર દ્વારા અગાઉથી જ રાત્રિના કાર્યક્રમો મર્યાદિત રાખવાની પરંપરા અપનાવવામાં આવી છે. તેમના પિતાશ્રીના અવસાન સમયે પણ મુલાકાતીઓ માટે રાત્રે 10:00 વાગ્યા સુધી જ બેસવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને તે જ અભિગમ માતાશ્રીના અવસાન બાદ પણ યથાવત્ રાખવામાં આવ્યો છે.
આ પહેલનો મુખ્ય હેતુ ધાર્મિક પરંપરાનું સન્માન જાળવી રાખતાં બદલાતા સમયને અનુરૂપ સરળ, વ્યવહારુ અને સમાજહિતકારી અભિગમને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ સમાજમાં રચનાત્મક ચર્ચા અને સમયાનુકૂળ સુધારણા અંગે સકારાત્મક વિચારવિમર્શને પ્રેરણા મળે તેવો પણ આશય વ્યક્ત કરવામાં આવ્યો છે.
પટેલ પરિવાર દ્વારા સ્નેહીજનો, શુભેચ્છકો તથા મિત્રવર્તુળને ઉપસ્થિત રહી દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિનમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

0 Comments