ન્યૂઝીલેન્ડમાં વિદ્યાર્થી સ્વતંત્ર અને સ્વનિર્ભર છે. : દિવ્ય ભાસ્કર ન્યૂઝ પોસ્ટ

 


Post courtesy: Divya Bhaskar news (Dr.Ashok Patel, કેળવણીનાં કિનારેથી)

ન્યૂઝીલેન્ડની શાળાઓમાં  વિદ્યાર્થીને શિક્ષા કરવાની સ્પષ્ટ મનાઈ છે. કોઈ શિક્ષક વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરી શકતા નથી. વિદ્યાર્થીને ધમકાવી પણ ન શકાય કે કોઈ અપશબ્દ પણ ન બોલી શકાય. આ નિયમ વાલી માટે પણ લાગુ પડે છે. શિક્ષક કે વાલી હળવી ટપલી પણ ના મારી શકે. થોડાં વર્ષો પહેલાં આ માટે કેટલાક વાલીઓએ સરકારને રજૂઆત કરી હતી કે, અમને હળવી શિક્ષા કરવાની અને થોડા ઊંચા અવાજે ધમકાવવાની મંજૂરી આપો. આ માટે ત્યાંની સરકારે દરેક વ્યક્તિનો મત જાણવાનો પ્રયત્ન કરેલો. બહુમત એ આવ્યો કે, હળવી શિક્ષા કરવાની પણ મંજૂરી ન આપવી. આમ સરકારે જાહેર કર્યું કે, તમે તમારા બાળકને સમજાવીને કારણો આપીને કામ લો, પણ શિક્ષા તો નહીં જ.

ન્યૂઝીલેન્ડની શાળાઓમાં વર્ષના અંતે કોઈપણ પ્રકારની પરીક્ષા નથી. એટલે કે આપણી જેમ બોર્ડની પરીક્ષાની તો વાત જ ક્યાં રહી! દરેક વર્ષના અંતે શિક્ષક દ્વારા વિદ્યાર્થીનું રિપોર્ટકાર્ડ તૈયાર કરવામાં આવે છે, જેમાં વિવિધ બાબતોમાં તેનો કેટલો વિકાસ થયેલો છે તેની નોંધ હોય છે. તેની એક નકલ વિદ્યાર્થીને અને એક નકલ બીજા વર્ષે તે જે વર્ગમાં જાય છે તેના શિક્ષકને આપવામાં આવે છે.

આ રિપોર્ટકાર્ડના આધારે પછીના વર્ષે શિક્ષક તેને અભ્યાસ કરાવે છે. અહીં બાળકને તેની ઉંમરને આધારે પ્રવેશ કોઈ ચોક્કસ ધોરણમાં આપવામાં આવે છે. ધારો કે, ભારતમાંથી આઠ વર્ષનું બાળક અહીં આવે તો તેને સીધો ત્રીજા ધોરણમાં પ્રવેશ આપે છે. એવું વિચારવામાં આવતું નથી કે તે પહેલું અને બીજું ધોરણ ભણ્યું નથી. યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થીઓ પોતાનો રસ પડે એવાં ક્ષેત્રમાં પ્રવેશ લે છે.

જે સંસ્થામાં પ્રવેશ મેળવે ત્યાં તેને મૌખિક ઈન્ટરવ્યૂ લઈને માર્ગદર્શન આપવામાં આવે છે. કોઈ વિદ્યાર્થીનું પરિણામ પ્રથમ વર્ષે સારું ના આવે તો તેને કોર્સ બદલાવી દેવામાં આવે છે. ન્યૂઝીલેન્ડમાં વિદ્યાર્થીનું રિઝલ્ટ કે રિપોર્ટકાર્ડ માત્ર વિદ્યાર્થીને જ આપવામાં આવે છે. કોઈ તેને પૂછતું નથી કે શું રિઝલ્ટ આવ્યું. એ બાબત તેની અંગત માનવામાં આવે છે. માટે જ અહીં કોઈ વિદ્યાર્થી ક્યારેય આપધાત કરતો નથી..

અહીંની સમાજ વ્યવસ્થાની અસર શિક્ષણ વ્યવસ્થા પર પણ પડે છે. અહીં મોટાભાગે બાળક 15 વર્ષની ઉંમરથી વેકેશનમાં નોકરી કરે છે અને 18 વર્ષનું થાય ત્યારે તે તેનાં મા- બાપથી સ્વતંત્ર થઈને ઘેરથી નીકળી જાય છે, પોતાના મિત્રો સાથે કે પોતાને ગમે તે રીતે રહે છે. તેઓ ગમે ત્યાં ગમે તેવી નાની-મોટી નોકરી કરવા લાગે છે. આવાં છોકરા-છોકરી- ઉંમર 18 વર્ષ છે. તેમણે વધુમાં વધુ સેકન્ડરી કે કોલેજ કક્ષાનું, ઉચ્ચ શિક્ષણ નહીં, એટલું જ શિક્ષણ લીધું હોય છે.

તેમનું ઉચ્ચ શિક્ષણ એટલે કે યુનિવર્સિટી કક્ષાનું શિક્ષણ બાકી હોય છે. તેઓ રેસ્ટોરન્ટમાં, સુપર માર્કેટમાં કે કોઈ જગ્યાએ ક્લીનિંગ કરવાની નોકરી કે કામ કરવામાં શરમ કે સંકોચ અનુભવતાં નથી. ભલે ને તેમનો પૈસાદાર ઘરમાં ઉછેર થયો હોય. હા, કેટલાંક છોકરા-છોકરીઓ નોકરી ના પણ કરે અને વ્યસની બની જાય છે.

મોટાભાગનાં છોકરા-છોકરી લગભગ 8-10 વર્ષ નોકરી કરીને પોતાની રીતે જીવતાં હોય છે. ત્યારબાદ 28-30 વર્ષ પછી તેઓ વધુ પરિપક્વ બને ત્યારે વિચારે છે કે ઉચ્ચ અભ્યાસ કરવો કે જે નોકરી કરે છે તે નોકરી જ કરવી. ત્યારબાદ પોતાના રસના ક્ષેત્રમાં કે પોતે શું બનવા માંગે છે કે પોતાને જેની જરૂર છે એવાં ક્ષેત્રમાં વધુ અભ્યાસ કરવાનું વિચારીને ઉચ્ચ શિક્ષણ મેળવવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે. આ વખતે ઘણીવાર તેઓ જ્યાં નોકરી કરતાં હતાં ત્યાંની સંસ્થા પણ તેમને ઉચ્ચ અભ્યાસ માટે મોકલે છે.

ટૂંકમાં. અહીંના નાગરિકો 28-30 વર્ષ પછી પોતાના રસનાં અને પોતાને ઉપયોગી થાય તેવાં ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરે છે.

આપણા દેશમાં જેમ આપણે કોલેજ શિક્ષણ પૂરું કરીને પછી ૪ નોકરીનો વિચાર કરીએ છીએ તેવું અહીં નથી. અહીં પહેલાં નોકરી પછી જરૂર પડે તો જ ઉચ્ચ શિક્ષણ. માટે જ અહીં ઉચ્ચ શિક્ષણ લેનારની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેઓ આ બાબતમાં આપણી વ્યવસ્થાને વધારે આદર્શ માને છે.

અહીં આ રીતે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીને અભ્યાસની ફી કે અન્ય ખર્ચ માટેની વગર વ્યાજની લોન બેન્કમાંથી મળે છે અને રહેવા-ખાવાનો ખર્ચ સરકાર મફત આપે છે.

મળેલી લોન અભ્યાસ પૂર્ણ થાય પછી તે જ્યારે નોકરી શરૂ કરે અને અમુક આવકથી વધારે કમાય પછી જ ભરવાની હોય છે. આપણા દેશની કોઈ વ્યક્તિ પી.આર. થઈને અહીં રહે તો તેને પણ આવા બધા લાભ મળે.

Post a Comment

0 Comments