એનું નામ ધરમચંદ. એલશ્કરનો જવાન હતો અને ત્રણ ત્રણ યુદ્ધમાં રણમેદાન પર ભારત માટે લડ્યો હતો. વીસ વર્ષની લશ્કરી સેવા દરમિયાન એને કુલ ૧૪ મેડલ મળ્યા હતા. છેવટે અત્યંત કંગાળ હાલતમાં એ હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યો.
એ વીર જવાની પત્નીનું નામ પુષ્પાવંતી છે. એ વિધવા સ્ત્રી પતિના પેન્શનમાં રિવિઝન થાય એ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહી. એણે લશ્કરના વડા પાસે જઈને પણ મદદ માંગી પરંતુ એ બિચારીનું કશું ન વળ્યું. પુષ્પાવંતીની માગણી સાચી છે. છેલ્લામાં છેલ્લા પગારવધારા મુજબ એને મહિને રૂ ૨૭ હજારનું પેન્શન મળવું જોઈએ. કોઈએ એને દાદ ન આપી ત્યારે એણે ભારતની સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે વડી અદાલતે સરકારને જબરી ચીમકી આપી. ૯૦ વર્ષની પુષ્પાવંતીને માત્ર રૂપિયા ૭૦ જેટલું માસિક પેન્શન મળતું હતું .એક મેજરની વિધવાને આટલું ઓછું પેન્શન ? આ તે એવું કહેવાય? ન્યાયમૂર્તિ તો ત્યાં સુધી કહી નાખ્યું કે : આજની ભીષણ મોંઘવારીમાં તુવેરની દાળ પણ રૂપિયા ૮૦ માં એક જ કિલોગ્રામ મળે છે. કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 90 વર્ષની વૃદ્ધા પુષ્પાવંતીને મૃત્યુ પહેલા લેણી રકમ મળશે ખરી ?
આપણે ત્યાં ન્યાય અને વિલંબ વચ્ચે જબરી ભાઈબંધી છે.
ગુણવંત શાહ (સેક્યુલર મિજાજ)
0 Comments