એક સપ્તાહ માટે સ્વીડન જવાનું થયું ત્યારે ત્યાંની એક લોકકથા સાંભળવા મળી હતી. ત્યાં સ્ટોકહોમ નગરની ઠંડી શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી જતી હોય છે. રાતના ઠંડાગાર અંધારામાં એક માણસ નાની ખોલીમાં પોતાની કાયા જેમતેમ સમાવીને સૂતો હતો. મધરાતે એક અજાણ્યો માણસ આવ્યો અને બોલ્યો : 'ભગવાનને ખાતર મને તમારી સાથે જગ્યા કરી આપો. જો તમે મને મદદ ન કરો તો હું આવી ભયંકર ઠંડીમાં સવાર પડે ત્યારે જીવતો નહીં બચું.'
ખોલી એટલી નાની હતી કે બીજો માણસ સમાઈ ન શકે. ખોલીમાં સૂતેલા માણસે કહ્યું: 'બ્રધર ! હું સુવાને બદલે બેસવાનું રાખું તો આપણે બંને બેસી શકીએ. ભલે પધારો !' બંને જણા બેઠા બેઠા રાત પસાર કરી રહ્યા હતા ત્યાં ત્રીજો માણસ નજીક આવ્યો અને બોલ્યો : 'હું આ ઠંડીમાં મરી રહ્યો છું . દયા કરો અને મને ખોલીમાં જગ્યા આપો, પ્લીઝ ! ' ખોલીમાં બેઠેલા પહેલા માણસે કહ્યું :બ્રધર !અહીં એક માણસ સૂઈ શકે અથવા બે માણસો બેસી શકે, પરંતુ આપણે ત્રણ જણા ઉભા ઉભા રાત પસાર કરી શકીએ તેમ છીએ . ભલે પધારો !' સવાર પડી ત્યારે ત્રણેય જણા એકબીજાને ભેટીને રડ્યા ! વિચારવા જેવું છે. એ ત્રણમાં બીજા કે ત્રીજા માણસની જગ્યાએ તમે ન હોઈ શકો ?
રોજ પથારીમાં પડતાં પહેલા જાતને ત્રણ પ્રશ્નો પૂછવા જેવા છે :
આજે મેં કોઈ અજાણ્યા માણસની ભૂખ, તરસ કે તાણ ઓછી કરી?
આજે મેં કોઈ માટે થોડોક ઘસારો વેઠ્યો?
આજે મેં વાણીથી કે વર્તનથી કોઈને ટાઢક પહોંચાડી?
-ગુણવંત શાહ (પ્રભુના લાડકવાયા)
0 Comments